“મ” મંદિરનો કે મસ્જિદનો!

“મ” મંદિર નો કે મસ્જિદ નો!

એમ તો એ બંને ના ઘર વચ્ચે હિન્દૂ-મુસ્લિમનો ફર્ક નહોતો,
બંનેના પરિવાર ખુબજ સમજદાર અને ઉપરથી શિક્ષિત, એટલે સંસ્કારનું ભાથું તો આ મિત્રોને બાળપણથી જ મળેલું.
બંને સવારે શાળાએ જાય ત્યારે રોજ બંને મંદિરે અને શાળાએથી આવતી વેળાએ મસ્જીદે નમન કરવા જાય, એવામાં બન્યું એવું કે કોઈએ કમલને મસ્જીદે જતા જોયો, એટલે જેવો કમલ મસ્જિદની બહાર નીકળ્યો એવામાં પેલા ભાઈ એ કમલને કહ્યું: “તું હિન્દૂ થઈ ને મસ્જીદે કેમ જાય છે?, તારો ઘર પરિવાર તો ખુબજ સંસ્કારી છે તો તને કોઈ ના કેમ નથી પાડતું?
કમલ અને અબ્દુલ ઉદાસ ચહેરે ઘરે ફર્યા,એવામાં બંનેની માતાઓ નીચે ગાર્ડનમાં બેઠી હતી, કમલે એમની માતાને કહ્યું, “માં મારા મનમાં એક સવાલ છે એ પૂછું?” મા એ કહ્યું હા બેટા પૂછ. કમલ કહે: “માં આપણા અને અબ્દુલના ભગવાન અલગ-અલગ છે?
માં સમજી ગઈ કે કમલ હવે મોટો થઈ રહ્યો છે, હવે દુનિયાને જોઈને એ સાચા ખોટનો ભેદ પારખવા લાગશે, માટે માં એ કહ્યું: “ના બેટા! ભગવાન તો એક જ છે.” કમલે ફરી પૂછ્યું સાચી વાત છે માં ભગવાન તો એક જ છે, જો અલગ અલગ હોય તો એક ભગવાન આમ કહે કે વરસાદ વરસાવવો છે અને એક ભગવાન એમ કહે કે તડકો આપવો છે, બંને ને ઝગડો થાય. તો માં મંદિર અને મસ્જિદ બે સ્થાન કેમ અલગ અલગ છે? માં એ કહ્યું: “બેટા!, લોકોની માન્યતાઓ અલગ અલગ છે, આખરે આ જીવને મૃત્યુબાદ અગ્નિદાહ આપો કે કબરમાં દાંટો અંતે પંચમહાભૂત જ વિલીન થવાનો છે, અંતે આ જીવ પોતાના કર્મોને આધારે મોક્ષ પામવાનો છે.
કમલને પોતાના પ્રશ્નોનો જવાબ મળી ગયો, પોતે સમજ્યો કે શાંતિમય સ્વભાવ એ જ સાચો ધર્મ, આખરે હું મંદિરે જાઉં કે મસ્જીદે હું પરમકૃપાળુ અલ્લાહરૂપી પરમેશ્વેરને જ પામવાનો છું.
બીજે દિવસે કમલ હરખાતો હરખાતો ફરી અબ્દુલ સાથે મસ્જીદે ઉપાડ્યો, પાછા પેલા ભાઈનો ભેટો થયો, મોં બગાડ્યું અને કામલનો કાન ખેંચતા કહ્યું, “અલ્યા, મેં હજુ ગઈ કાલે જ તને ના પડેલી કે તું હિન્દૂ છે અને તારાથી મસ્જીદે ના જવાય તો આજે ફરી કેમ પાછો ચાલ્યો આવ્યો?, કમલે શાંતિથી એમનો હાથ પકડીને પોતાનો કાન છોડાવ્યો, અને બોલ્યો મારી માં એ કહ્યું છે કાકા, “મંદિરે બેઠેલો અને મસ્જીદે બેઠેલો ઈશ્વર એક જ છે, ફર્ક છે આપણી માન્યતાઓમાં કે આપણે કોને માનીયે છીએ!, બાકી કોઈ મુસ્લિમ મંદિરે જાય તો એને ભગવાન નથી પૂછતો કે અલ્યા તું કેમ અહીં આવ્યો? કમલ ને માં એ આપેલા સંસ્કાર જોઈ પેલા કાકા તો આશાર્યચકિત થઈ ગયા અને એટલું બોલ્યા કે “આ નવી પેઠી છે, બાપા તમને નહીં પહોંચાય”.
હા, આ નવી પેઠી છે, ભૂતકાળમાં શું થઈ ગયું એના પર નિર્ણય લેવા કરતા સૌને હિતકારી હોય એવો નિર્ણય લો, આપણા સંતાનો આપણાં થકી જ સાચા ખોટાનો ભેદ પરખાતા શીખે છે, તો વ્હાલા એમને હિંસા ને બદલે અહિંસા તરફ વાળો, જો એમનો સવાલ હોય ને કે માં “ત” તપેલી નો થાય કે “ત” તલવાર નો?
ત્યારે “ત” તપેલી નો થાય એવી જ પ્રેરણા આપજો.
આજે અયોધ્યાનો ફેંસલો છે, માટે એ ઘટનાને અનુલક્ષીને આ વાર્તા લખી છે. મારી આ વાર્તાએ જો આપને કંઇક સારી શીખ આપી હોય તો શેર કરજો, જેથી બાણ માંથી છૂટી ગયેલું તિર પણ પોતાની દિશા મેળવી શકે……A+
– ડૉ. અંકિતા મુલાણી “રીચ થીંકર”
આ લેખ કોપીરાઇટ આરક્ષિત છે.