વાંચો શ્રી ખોડલધામ સ્મૃતિમાં મારી એક મજા

વાંચો શ્રી ખોડલધામ સ્મૃતિમાં મારી એક મજા

વાંચો શ્રી ખોડલધામ સ્મૃતિમાં મારી એક મજાની વાર્તા “સુખદ મેળાપ”

સુખદ મેળાપ

દસ વર્ષની ઉંમરથી સાથે ઉછળવું, કુદવું, ખાવું, પીવું, ગામના ખેતર કોતર અને ડુંગરા ચડવા, વ્રત ઉપવાસ કરી અડધી રાત સુધી ઉપવાસ કરવા અને ઢીંગલી પોતીકે રમતા રમતા ખુલ્લી આંખે ભવિષ્યમાં ઘોડો લઈને આવનાર રાજકુમારના સ્વપ્નો જોવા કેવી મજા પડે નહીં? કાંતા અને શાંતા એમ બે બહેનપણીઓની અસંખ્ય વાતો ‘દી ઉગ્યાથી લઈને ‘દી આઠમે તો ય નો ખૂટે! ક્યારેક તો ઘરના વડીલો પણ કહેતા કે એક જ ઘરમાં વેહવાળ કરવું છે તમારું, તમતમારે આખી જિંદગી વાતો કાર્ય કરજો. સાંભળીને શરમાઈ જતી બંને બહેનપણીઓ દોડવા લાગતી. અને એકબીજાની મજાક કરીને કહેતી મોટી તું થાજે હો!,, તું આડે હોય એટલે મારે કામકાજ ઓછું ભાગે આવે.. ઢળતી સાંજનું બંનેનું ખિલખિલાટ હાસ્ય આખા ય ગામમાં સંભળાતું.

બંને બહેનપણીઓ મોટી થઈ અને પરિવાર યોગ્ય ઠેકાણું ગોતવા લાગ્યો. એક ઘરમાં દેવાની તો ખાલી વાતો હતી. શાંતાનું ઠેકાણું ઉત્તરમાં ને કાંતાનું ઠેકાણું દક્ષિણમાં નક્કી થયું. કોડ ભરેલી આ બંને કન્યાઓના રૂડાં મંડપ બંધાયા અને ઢોલ, શરણાઈ અને લીલુડા માંડવે રૂડાં મંગળ વર્તાયા.

બન્ને બહેનપાણીઓ વાર પરબે પિયરમાં ખૂબ હેતથી મળતી. આઠમ, અગિયારસ કે ઊનાળુ રજામાં ભેગી થાતી ત્યારે કેટકેટલીય વાતો જાણે આમ અંદરથી ઊલાળા મારતી હોય એમ ખૂટતી જ નહીં ને! આખું ય ગામ ખાઈ પી ને સુઈ જાય પણ સુવે એનું નામ કાંતા ને શાંતા નહિ. કંટા સાસુબા, લાડકી દેરાણી, વડીલ જેઠાણીબા અને સખી સરીખી નણંદલની વાતો તો જાણે સવારો સવાર હાલતી. સાસરિયાના તેડા આવતા ત્યારે બંનેને માવતરેથી જવાનું દુઃખ થતું એથી વધુ બંનેને વિખુટા પડવાનું દુઃખ થતું. પણ હવે તો બંને ઘર માંડીને બેઠી હતી એટલે જવાબદારીમાંથી છુટાય એમ નહોતું. વળી હવે તો પિયુને ઘેર જવાની પણ તાલાવેલી હોય.

બંને બહેનપણીઓએ રૂપ રૂપના અંબાર જેવા દીકરાને જન્મ આપ્યા. હવે તો પિયર આવવાનું પણ ઓછું થયું. સાસરી અને સંતાનની જવાબદારી વચ્ચે ઘેરાયેલી બહેનપણીઓ માંડ વર્ષમાં એકા’દી વાર મળતી. અને સમયાંતરે તો એ પણ બંધ થયું. વર્ષો પછી તો એકબીજાની કોઈ ભાળ નહોતો. કોઈ સંપર્ક નહોતા. એકબીજાના સુખદુઃખની વાતો હૈયે જ ધરબાઈ જતી. સંતાનો મોટા થયાં અને મા બાપ ઘરમાં ભારે પડવા લાગ્યા. ધક્કો મારીને તરછોડાયેલા મા બાપ પાસે રાજકોટ સ્થિત “સદભાવના વૃદ્ધાશ્રમ” એક જ વિકલ્પ હતો. કાંતા શરૂઆતમાં વૃદ્ધાવસ્થાની આ અવસ્થા સ્વીકારી નહોતી શકતી. ઠાઠ માઠથી જીવેલું આ પ્રેમાળ વ્યકિતત્વ આજ વૃદ્ધાશ્રમમાં? સ્વીકારવી ખૂબ અઘરી હતી પણ આ જ વાસ્તવિકતા હતી.

મંદ મંદ પવનની લહેરખી ક્યારેક બાળપણ તાજું કરાવતી. વીતેલા એ ભૂતકાળના દિવસો જીવન જીવવા એક તાજગી ભરી જતાં. અને… અને… ક્યારેક ક્યારેક તો શાંતાનું પણ સ્મરણ થતું. અને મારી બહેનપણી…. કેટલા વર્ષો વીતી ગયા! શું કરતી હશે એ? ક્યાં હશે? કેવી હાલતમાં હશે? અરે…. એ જીવતી તો હશે ને? મનોમન પ્રાર્થતા મેં, “હે ભગવાન, તું મને લેવા આવે એ પહેલાં મને મારી સખી શાંતા સાથે એક મુલાકાત કરાવજો હો! મારે ફરીથી એની સાથે રમવું છે, જમવું છે, વ્રત ઉપવાસ કરવા છે, ફરી એની સાથે મારે પાંચીકે રમવું છે” આટલું બોલતા ત્યાં કાંતાબેન હાંફી જતા. ફરીથી પોતાના મીઠા સ્વપ્નોમાં ગરકાવ થઈ ગયેલા કાંતાબેન બપોર પછીનો ચા નાસ્તો આવતો ને જાગી જતા.

રોજ કેટકેટલાય વડીલો આવે. તબિયત અને ઉંમરનો સાથ ના મળે તો વળી વિદાય પણ લ્યે. એક દિવસ અચાનક કાળી અને લાલ સાડીમાં વૃદ્ધ બા આવ્યા અને પોતાનું નામ પોતે જાતે જ એ વૃદ્ધાશ્રમમાં લખવતા હતા. હાથમાં બે જોડે કપડાનો થેલો હતો. મુખ પરનું હાસ્ય, તેજ અને ચહેરાનો આકાર જાણીતો લાગતો હતો. કાંતાબેન ઊભા થઈ લાકડીના ટેકે ચાલીને ત્યાં સુધી ગયા. આવેલા વૃદ્ધાને કહ્યું, “બસ હવેની જિંદગી આપણે સૌએ સાથે જીવવાની છે”. આ શબ્દો અને અવાજ સાંભળીને વૃદ્ધા ચોંકી ગયા.
વર્ષો પછી કોઈ જાણીતું મળ્યું હોય એવો ભાસ થયો. બંનેને એકબીજા પ્રત્યે છુપાયેલી લાગણી પ્રત્યક્ષ અનુભવાતી હતી. એકબીજાનો ચહેરો તાકી રહ્યા. આંખમાં જાણે ગંગા અને જમાનાનો ધોધ વહયો. કારણકે નાના મોટા સાથે થયા હોય, સાથે રમ્યા, જમ્યા હોય અને આખા ય ગામના ખેતરો ખૂંદયા હોય એ વળી કેમ ભુલાય? બંને બહેનપણીઓ એકબીજાને ભેટીને હૈયાફાટ રડી પડી. આટલું તો બંને એકબીજાની વિદાયવેળાએ પણ નહોતી રડી. આસપાસ ઊભેલા અન્ય વડીલો પણ આ પ્રેમ જોઈને રડી પડ્યા. ચોધાર આંસુ વચ્ચે બંનેએ એકબીજાનો હાથ ઝાલ્યો.
વિખુટી પડેલી બે અંગત બહેનપણીઓના સુખદ મિલનમાં “સદભાવના વૃદ્ધાશ્રમ” આજે નિમિત્ત બની ગયો. બંનેએ સિત્તેર વર્ષે ફરી સાત વર્ષના હોય એમ જીવવાની શરૂઆત કરી. સુખદ મિલન તો થયું પણ આ અવસ્થાએ પોતાના સંતાનોએ તરછોડી દીધા તેનો પારાવાર પસ્તાવો હતો. ક્યાંય પોતે સંસ્કાર ના આપી શક્યા કે ક્યાંય સંતાનોની સંગત ફેર થઈ એવા વિચારો માનમાંથી દૂર જ ના જતા.

બંને બહેનપણીઓ જેમ પહેલા સાથે રમતી, જમતી, નદીએ જતી, વ્રત ઉપવાસ કરતી અને જાગરણ કરતી એમ આજે પણ વર્ષો પછી એ વાતોને દોહરાવી. કોઈ હાંફે તો એકબીજાને મદદરૂપ બને. તબિયત કથળે તો રાત દિવસ એકબીજાની સેવામાં લાગી જાય. ખુલ્લા પટાંગણમાં પ્રભુભક્તિ અને સત્સંગના સહારે જીવનનું સઘળું દુઃખ ભુલાઈ ગયું. જે વાસ્તવિકતા હતી તેને સ્વીકારી લીધી અને મોજથી બંને બહેનપણીઓ એકબીજાની પૂરક થઈને જીવવા લાગી. તેમને જોઈને અસંખ્ય વૃધ્ધો વડીલો પોતાનું દુઃખ ભૂલીને કથા સત્સંગમાં પરોવાઈ જતા. સૌ તેના જીવનના છેલ્લા દિવસો વધુ આનંદદાયક બને અને પીડા કષ્ટ અને સંતાપ ઓછો થાય એમ દિલ ખોલીને જીવવા લાગ્યા.
સૌ સાથે હળવી રમતો રમતા, એકબીજાનો ટેકો બનતા અને એકબીજાની તબિયતની સંભાળ રાખતા. કાંતાબેન અને શાંતાબેનની કિંમત કદાચ તેના સંતાનો ના સમજી શક્યા પરંતુ તે બંનેના મિલનથી આ વૃદ્ધાશ્રમ પાનખરમાં પણ ખીલી ઊઠ્યું હતું. કોઈ વડીલના ચહેરા ઉપર પસ્તાવો કે દુઃખની એકપણ લકીર નહોતી. જાણે નાના બાળકોનો સમુદાય જ જોઈ લ્યો. સૌની વચ્ચે ખૂબ અંગતતા કેળવાઈ, સ્નેહ વધ્યો અને સૌ સાથે મળીને સવાર સાંજ ધૂન કીર્તન કરતા,
“બોલો, શ્રીરામ જય રામ, જય જય રામ,
શ્રીરામ જય રામ, જય જય રામ,
રઘુપતિ રાઘવ રાજા રામ,પતિત પાવન સીતારામ,
રાત્રે નિંદ્રા, દિવસે કામ,ક્યારે ભજશું સીતારામ?
બોલો, શ્રીરામ જય રામ, જય જય રામ,શ્રીરામ જય રામ, જય જય રામ,

સ્નેહ, સત્સંગ અને સહકારના ત્રિવેણી સંગમે આખા વૃદ્ધાશ્રમને સ્વર્ગ બનાવી દીધું. દરેક વડીલો પોતાની મસ્તીમાં જીવવા લાગ્યા અને ધીરે ધીરે સૌના સ્વાસ્થ્ય પણ સારા થવા લાગ્યા. કાંતાબેન અને શાંતાબેનનું અહીં આવવું હિતાવહ સાબિત થયું. તેમને જોઈને બદલાયેલા આ વાતાવરણ બદલ બંને પ્રભુનો ઉપકાર માનતા, “હે ભગવાન, અમને સંતાનોનો મોહ હતો, પણ બાપ તે જે ઠેકાણે મેલ્યા છે તે બરાબર ઠેકાણે મેલ્યા છે. બસ આ જ અમારું જીવન છે. અમારા સંતાનોની આવી દશા ના થાય બસ એટલી પ્રાર્થના કરીએ છીએ. કારણ કે અમારી પાસે તો અમે બહેનપણીઓ છીએ પણ એમની પાસે કોઈ નહીં હોય!”. બંને બહેનપણીઓ આવી પ્રાર્થના કરીને હૈયાને હળવું કરી લેતી. આપણી ઘરે પણ કાંતાબેન કે શાંતાબેનનું જ સ્વરૂપ છે. સંતાનો તેને ઓળખી લેજો.

(ક્યાંક લખી રાખવા જેવું : મા ની કૂખમાં આપણે અજાણતાં તો લાત મારી છે, જાણતાં તેને પીડા ના થાય બસ એ જ આપણા અસ્તિત્વની ઓળખ.)

– અંકિતા મુલાણી “રીચ થીંકર”
#ankitanivato #khodaldham #samayik #સત્યનાસરનામે #કોલમ

Dr Ankita Mulani વાંચો શ્રી ખોડલધામ સ્મૃતિમાં મારી એક મજા
Dr Ankita Mulani વાંચો શ્રી ખોડલધામ સ્મૃતિમાં મારી એક મજા
Dr Ankita Mulani વાંચો શ્રી ખોડલધામ સ્મૃતિમાં મારી એક મજા