શું ખોટ હશે?

શું ખોટ હશે?

શું ખોટ હશે?

શીર્ષક :- શું ખોટ હશે?

બે દિવસ પહેલા સાંજના સમયે ટીવી પર આવી રહેલી એક સિરિયલ જોઈ. એમ તો આદત નથી સિરિયલ જોવાની પરંતુ કંઈક લોકો સાથે શેર કરી શકાય એવું લાગ્યું એટલે વધુ આગળ જોઈ.
અનુપમાં નામની સીરિયલમાં એવી બન્યું કે એક સ્ત્રીની પચાસેક વર્ષની ઉંમર હશે, સંતાનમાં બે દીકરા અને એક દીકરી હતી, ઘર પરિવારમાં સૌની જરૂરિયાતોનું ધ્યાન રાખે, ઘરકામ સાંભળે, બાળકો સાસુ સસરા અને પતિનું સૌનો બોલ્યો વેણ જીલે.
એ સ્ત્રીના લગ્નના પચીસ વર્ષ પૂર્ણ થવાથી બાળકો એક પાર્ટીનું આયોજન કરે છે. જેમાં મમ્મી પપ્પાના ફરી એકવાર લગ્ન ગોઠવે છે. પાર્ટી પૂર્ણ થાય છે સૌ કોઇ મહેમાન પોતાના ઘરે ચાલ્યા જાય છે, પતિ પણ કોઈનો કોલ આવતા ક્યાંય બહાર જાય છે, એ સ્ત્રીએ પૂછ્યું તો સરખો જવાબ ન આપ્યો અને ચાલ્યો ગયો.
એ સ્ત્રી એનો પીછો કરતી કરતી ડ્રાઈવર સાથે તેના પતિ પાછળ જાય છે. એ સ્ત્રીએ લગ્નના પચીસ વર્ષના સમયગાળા દરમિયાન ક્યારેય કોઈ સાથે ઘરમાં ઉંચા અવાજે વાત નહોતી કરી, એ ફરજો અને જવાબદારીઓ નિભાવવામાં જ એટલી વ્યસ્ત હતી કે તે પોતાના હકો તો ભૂલી જ ગઈ હતી.
તેનો પતિ એક ફાર્મહાઉસમાં પહોંચે છે, ગાડી પાર્ક કરીને ઘરમાં જાય છે. ઘર ખૂબ જ સુંદર રીતે સજવ્યું હતું, ઘરની બારીમાંથી ઘરની સજાવટ આરપાર જોઈ શકાતી હતી, સ્ત્રી જાણે શૂન્યમસ્તક બની જાય છે, અન્ય સ્ત્રી બ્લેક અને વ્હાઇટ વનપીસ પહેરીને હાથમાં વાઈનનો ગ્લાસ લઈને દાદર ઉતરે છે, તેનો પતિ ત્યાં સોફા પર બેસે છે, પેલી સ્ત્રી વાઈનનો એક ઘૂંટ ભરીને તેના પતિના હોઠ પર મૂકે છે અને એક ઘૂંટડો ભરીને તે અન્ય સ્ત્રીને પોતાની તરફ ખેંચે છે, બાહુપાશમાં જકડીને “i love you baby” કહે છે, આવું ભયાનક દ્રશ્ય જોઈને તે સ્ત્રી ત્યાં જ ઢળી પડે છે અને બેભાન થઈ જાય છે. ઘરે સૌ આ પતિ પત્નીને શોધે છે.
થોડી જ વારમાં ડ્રાઇવર તે સ્ત્રીને બેભાન હાલતમાં ઘરે લઈ આવે છે. એક બે દિવસ થોડું મગજમાંથી ભૂલતા તેના પતિની સામે જાય છે, અને પતિને એક જ સવાલ પૂછે છે,”આવું કેમ થયું?” પતિ કહે છે ભૂલ થઈ ગઈ એ વાત ભૂલી જા, હવેથી કદી આવું નહિ થાય!.
ખરેખર આવા અમુક અક્ષમ્ય પોતાનાઓ ગુના માફ તો કરી શકાય પરંતુ ભૂલી શકાય ખરા? આખરે એક પુરુષના જીવનમાં શુ ઘટે છે કે અન્ય સ્ત્રી તેના જીવનમાં આવે છે? સારા બાળકો હોય છે, પ્રેમાળ પત્ની હોય છે, પૈસે ટકે સુખી હોય છે, માં બાપની છત્રછાયા હોય છે, શુ કોઈ પુરુષને ઘરનું ઉંબરુ ઓળંગતા એ વિચાર નહીં આવતો હોય કે પોતે ક્યાં અને શું કરવા જઈ રહ્યો છે? દરેક મર્યાદા સ્ત્રીને જ કેમ લાગુ પડે છે? પુરુષને કેમ નહીં? આવો અપરાધ કદાચ સ્ત્રીથી થાય તો એક પુરુષ ભૂલી શકે ખરો?
આ તો બનાવેલી ઘટના જોઈ પરંતુ આવી હકીકતમાં બનેલી ઘટનાઓ પણ આજકાલ જોવા મળે છે. આખરે શું ઘટતું હશે પોતાના સુખી સંસારમાં કે આટલી ઉંમરે પણ મન અસ્થિર હોય છે. પત્ની વફાદાર જોઈએ છે પણ પ્રેમિકા સાથે રાસલીલા રમવી છે!
આજે પણ ઘણી સ્ત્રી કે પુરુષ આવી ઘટનાનો ભોગ બનતા હશે પરંતુ એ પોતાના ઘર અને બાળકો પાછળ પોતાની જિંદગી ખર્ચી નાખે છે. આપણી માનસિકતા ક્યારે બદલાશે, આવા કાદવમાંથી આપણું મન ક્યારે બહાર આવશે? પોતાનાઓની સાથે તો વ્હાલા વફાદારીથી જીવાય નહીં તો મોતને વ્હાલું કરાય…..A+
– ડૉ. અંકિતા મુલાણી “રીચ થીંકર”
આ લેખ કોપીરાઇટ આરક્ષિત છે.