શ્રીજી મારા રૂદિયે વસો!!!
(ત્રણ દાયકાની જિંદગી પુસ્તકની વાર્તા)
આખરે કેટલીવાર મળ્યાનો હિસાબ રાખું?
તમે તો બેહિસાબ છો મારામાં…
મને બાળપણથી જ પ્રભુની મૂર્તિ પ્રત્યે ખૂબ જ લગાવ. અને શિવજીની પણ ખૂબ મોટી ભક્ત. મારા નિત્યક્રમ મુજબ રોજ સવારે મોરબી ખાતે શિવ મંદિરે જતી. એ પૂજા ચાલતી હોય ત્યારે પૂજારી રોજ ટેપમાં ગીત વગાડતાં. રોજ એક જ નાભિમાંથી પ્રગટેલો અવાજ હું રોજ સાંભળતી. “ઓમ…. નમઃ… શિવાય”. અવાજ કોનો હતો એ ક્યાં જાણતી હતી? પણ હા એટલી ખબર હતી કે એ અવાજ કોઈ પુરુષનો હતો! એ અવાજ રોજ મારુ મનોભંગ કરતો. મારુ ધ્યાન ભટકાવતો!!! મનોમન એ અવાજથી ખૂબ જ લગાવ થઈ ગયેલો. ભગવાનને રોજ કહેતી કે રોજ એ અવાજ મારુ તપ ભંગ કરે છે તો પ્રભુ એનું અડધું પાપ એને માથે લખજો. પણ આ વ્યક્તિ જે કોઈ પણ હોય મારી કિસ્મત તેની સાથે લખજો. પ્રભુ પાસે મેં “શ્રીજી”ને ઘણાં વર્ષો અગાઉ જ માંગી લીધેલા.
રોજ એ જ અવાજ વારંવાર કાને અથડાતો. એકવાર રાત્રે કથા સાંભળતી હતી ત્યારે ગીરીબાપુની કથામાં ફરી એ અવાજ સંભળાયો. એ અવાજ શોધતુ મારુ મન મસ્તિસ્ક અને આંખો આખરે એ ચહેરા પર આવીને અટકી. પહેલીવાર એ ચહેરો જોયો. તે અગાઉના સાત વર્ષ પહેલાં પ્રભુ પાસે મનોમન માંગી લીધેલા. તેને જોઈને મનમાં ઉત્સુકતા જાગી.
કોણ હતાં? કઈ જ્ઞાતિ કે જતી હતી? પરિણીત હતા કે નહીં? કોણ તેના માતા પિતા હું કંઈ જ નહોતી જાણતી. બસ એટલી ખબર હતી કે પરમેશ્વરની સાક્ષીએ તેને પતિ સ્વરૂપે સ્વીકારી લીધા હતા. હવે દુનિયામાં કોઈ રસ નહોતો. જેનો માત્ર અવાજ સાંભળીને મેં મારી અંદર એ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ જીવંત રાખ્યો છે તે પ્રેમ તે વ્યક્તિ સ્વીકારશે કે નહીં એ પણ ક્યાં ખબર હતી?
પૂજ્ય ગીરીબાપુની શિવકથામાં રૂબરૂ ગઈ. પ્રત્યક્ષ તેનો અવાજ સાંભળીને ખરેખર એ દિવસે ભરી સભામાં રડી પડેલી. એ વ્યક્તિ પ્રત્યે મેં મારા પ્રેમની અભિવ્યક્તિ કરી. તેમણે મને કહેલું, “કે મારે આજીવન લગ્ન નથી કરવા!”. મેં પૂછ્યું કેમ ડર લાગે છે કે લગ્નપછી ભક્તિ છૂટી જશે? તો કહે ના! ભક્તિ તો મારી અંદર વહેતા લોહીના એક એક કણમાં ભરી છે એ મારા મૃત્યુ સાથે જ છૂટશે!. મેં પૂછ્યું, “તો પછી?”.
હું કોઈને દુઃખી નથી કરવા માંગતો. મારો જન્મ એક અસાધારણ હૃદયની બીમારી સાથે થયો છે. મારુ શરીર બાળપણથી જ દવા ઉપર ટક્યું છે. એટલે જ એ દુઃખને ભૂલવા મેં સંગીતની સાધના કરી અને છેલ્લા વિસ વર્ષથી સંગીતની દુનિયામાં જીવું છું. અને બાપુએ હાથ પકડ્યો તેના સોળ વર્ષ થયાં. ધોરણ દસ જેમ તેમ પૂર્ણ કર્યું. બસ બાપુની સેવા અને શિવજીની સેવા અને સંગીતની સાધના જ મારું જીવન છે. મારુ મૃત્યુ કોઈપણ સમયે આ શરીરે ટકોરો મારી શકે છે. આ કાયા સાથે મારી વધુ લેણદેણ નથી. અને હું નથી ઈચ્છતો કે હું લગ્ન કરું પછી મારી પત્ની કે પરિવાર દુઃખી થાય. તેથી પ્રભુએ જે જીવન આપ્યું છે તેને સ્વીકારીને હું ખુશ છું.
તેમના આ શબ્દો સાંભળીને અંદરથી ડર લાગ્યો કે તેના મજબૂત મનોબળને હું તોડી શકીશ ખરી? બસ લગ્ન કરી જીવન જીવવું તો તેની જ સાથે નહીં તો જીવનભર લગ્ન નહીં કરું. મેં પણ એક નિર્ણય કર્યો. વારંવાર અમારી વાતો થતી ક્યારેક કોઈ કથાના માધ્યમ થકી મુલાકાત થતી તેમાં મેં એકવાર જણાવેલું કે તમે સ્વીકારો કે ના સ્વીકારો પણ મેં તમને પ્રભુ પાસે સાત વર્ષ અગાઉ માંગી લીધા છે. મન મસ્તિષ્ક અને દિલ દિમાગ ઉપર બસ તમારી જ છબી છે. આપ સાથે મારે જીવવું છે. કુદરતે જે લખ્યું હશે એ થાશે પણ એક મોકો તો આપો. ત્યારે તેમના શબ્દો કંઈક આવા હતા. મારો હાથ પકડ્યો અને બોલ્યા, “ચાલ જીવી લઈએ!”.
એ સમયે મેં Msc. પૂર્ણ કરેલું. પિતાની છત્રછાયા તો હું આઠ વર્ષની હતી ત્યારે જ ગુમાવેલી. તેથી માતાને જાણ કરી. હું કડવા પટેલ અને “શ્રીજી” લેઉવા પટેલ. અને હૃદયની બીમારીની પણ મેં મારી મા ને ચોખવટ કરેલી. મારી મા એ પણ નિર્ણય કર્યો તું મને અથવા એને કોઈ એકને પસંદ કરી લે. અને આખું જીવન એમ જ જીવવું પડશે. જો એ તારું જીવન બનશે તો મારો ત્યાગ કરવો પડશે અને જો હું તારું જીવન બનું તો તારે તેનો ત્યાગ કરવો પડશે!. મૂંઝવતા મને સમાધાન કર્યું. નાનો ભાઈ અને મારી મા ને રડતી આંખે અને હસતા હૃદયે વિદાય આપી અને સૌની રજા લઈને નીકળી પડી મારા “શ્રીજી” સાથે જીવવા.
આપે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ એક જ વ્યક્તિએ એક જ વ્યક્તિ સાથે પાંચ પાંચ વાર લગ્ન કર્યા હોય? આ ઈતિહાસ અમારા પ્રેમના નામે છે. “શ્રીજી” સાથે સૌથી પહેલા લગ્ન કોર્ટમાં કર્યા. એ પછી મંદિરમાં કર્યા. એ પછી પરિવાર સમક્ષ કર્યા. એ પછી ગીરીબાપુની કથામાં કર્યા. અને એ પછી પૂજ્ય ગીરીબાપુના પત્નીએ ચાર ફેરા ફેરાવ્યાં. બે પવિત્ર આત્માનું આ બંધન યુગોયુગો સુધી મજબૂત બન્યું. બીજી ફેબ્રુઆરી ૨૦૨૦ એ હું “શ્રીજી” ની પત્ની બની સાવરકુંડલા તેની સાથે રહેવા લાગી. કોરોનાકાળમાં શ્રીજી સાથે આખુંયે જીવન જીવી લીધાની તૃપ્તિ થઈ. શ્રાવણ માસમાં અમે ગીરીબાપુના આશ્રમમાં સાથે રહ્યા. આખોયે મહિનો મારો ઉપવાસ અને મૌન હતું. મારી પ્રભુભક્તિ જોઈને “શ્રીજી” પણ બોલી ઉઠેલા કે મારે લગ્ન નહોતા કરવા પરંતુ જો તું વહેલા મળી હોત તો હું આવો વિચાર પણ ના કરત. મને પામીને તે પણ ખૂબ ખુશ હતા.
તેમની જ્યાં જ્યાં કથાઓ થતી અને સારો આશરો મળ્યો હોય તો કથાશ્રવણ અને “શ્રીજી” નું સાંનિધ્ય પામવા હું પણ સાથે જતી. “શ્રીજી” ગીરીબાપુની સેવા કરતા અને હું “શ્રીજી” ના માતાપિતાની. હું પણ તેમની જેમ સાચી શિવભક્ત હતી લસણ ડુંગળીનો સ્પર્શ મારા માટે પણ વર્જિત હતો. સાથે જીવવાના ખૂબ સ્વપ્નો જોયેલા. તેની સાથેનું અગવાડતાઓ વાળું જીવન પણ મને ક્ષણે ક્ષણ સ્વર્ગની અનુભૂતિ કરાવતું હતું.
“શ્રીજી” ના હૃદયની દવાઓ નિયતપણે શરૂ હતી. નાના હતા ત્યારે ધારીના ડૉક્ટરની દવા લાગુ પડેલી તેથી ૯ વર્ષ સુધી તો તે તેની માતાથી દૂર મામાના ઘરે રહ્યા હતા. એ પછી કથામાં પૂજ્ય બાપુ સાથે હોય. માતાને સતત દીકરાની ઝંખના રહેતી. પણ દીકરો વિચારતો કે જો હું વધુ માતા સાથે રહીશ તો માતાને મારી માયા લાગશે અને મારું જીવન ટૂંકું છે તેથી માતાને મારા ગયા પછી ખૂબ દુઃખ થશે! માતાની આંખમાંથી પડતું એક એક આંસુ “શ્રીજી” ને ઓગાળી દેતું.
પ્રભુભક્તિ અમારા પ્રેમને ફળી. અને “શ્રીજી”ના વારસદાર રૂપે મને ગર્ભ રહ્યો. શ્રીજી મારુ ખૂબ ધ્યાન રાખતાં. ક્યારેક દૂર હોય તો પણ ફોન ઉપર મારી સતત સંભાળ લેતા. તેમણે મને પૂછેલું,”તારે દીકરો જોઈએ કે દીકરી?” મેં કહેલું, “મારે તો તમારા અંશરૂપી દીકરો જ જોઈએ છે.” મેં પૂછ્યું, “તમે શું ઈચ્છો છો?”. તે મને હુલામણા નામરૂપે “શિવા” કહીને બોલાવતા. અને હું તેમને “શ્રીજી” નામથી બોલાવતી. મને કહે શિવા મારે તો તારા જેવી દીકરી જ જોઈએ છે. બોલ આપીશ ને? તું પ્રાર્થના કરજે મારી ઈચ્છારૂપે તારી કુખે મને દીકરીનો બાપ બનવાનું સૌભાગ્ય મળે!!! અને સાંભળ પાગલ, “જો દીકરો અવતરે તો તેનું નામ “નંદ” અને દીકરી અવતરે તો મને ગમતું નામ “સૂરીલી” જ રાખીશું હો ને! મારી ગર્ભાવસ્થાને ચાર મહિના પૂર્ણ થયા અને પાંચમો મહિનો શરૂ થયો.
એ સમયે બરોડા કથાનું આયોજન હતું. કુલ ૨૫ દિવસનો બરોડાનો પ્રવાસ હતો. હું “શ્રીજી” સાથે બરોડા ગઈ. પંદર દિવસ રોકાયા. સાવરકુંડલા સાસુની તબિયત લથડી તેથી મેં “શ્રીજી” ને કહ્યું તમે કથા પૂર્ણ કરીને સાવરકુંડલા આવજો. હું બા અને બાપુજી પાસે ઘરે જાઉં છું. શરૂઆતમાં તેની પણ આનાકાની હતી કારણ કે તેને પણ મારાથી છૂટું પડવું ક્યારેય નહોતું ગમતું. પણ એકબાજુ સાસુ સસરાની સેવા પણ મારો ધર્મ હતો. હું સાવરકુંડલા આવીને સાસુની સેવામાં લાગી ગઈ. તેના થોડા જ દિવસો પછી હજુ તો કથા વીરામ થાય એ પહેલાં જ “શ્રીજી” ની તબિયત લથડી. તે એવું જ કહેતા કે મને પેસુટી ખસી ગઈ છે. પરંતુ મોં ઉપર સોજા ચઢવા લાગ્યા તેથી તેને તાત્કાલિક સુરત હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. દરેક રિપોર્ટ થયા. પહેલેથી જ ખબર હતી રિપોર્ટ નબળા આવશે. અને એવું જ બન્યું!. હૃદય માત્ર ૨૦% જ ચાલતું હતું. જે દિવસે સવારે અગિયાર વાગ્યે દાખલ થયા એ જ દિવસે મેં જીદ પકડી કે મારે પણ સુરત તમારી પાસે આવવું છે! મારે અહીં તમારાથી દૂર નથી રહેવું. ત્યારે મને કહેતા,”તું ગર્ભમાં ઉછરી રહેલા દિવ્યત્માનો વિચાર કર. તારી મુસાફરી હાલ યોગ્ય નથી. હું જલ્દી સાજો થઈને તારી પાસે આવીશ. અને તને ચોકલેટ ભાવે છે ને હું રોજ એક બે ચોકલેટ તારા માટે ભેગો કરું છું આવીશ ત્યારે આખુંયે બોક્સ ભરીને લાવીશ. તું રાહ જોજે હું જલ્દી પાછો આવીશ!” પણ અંદરથી મારુ મન નહોતું માનતું. મારે તો બસ કોઈપણ કાળે તેની પાસે જવું હતું.
બાને વાત કરી કે મને “શ્રીજી” ને મળવાનું ખૂબ મન થયું છે. બા! એવું શું કરો છો? મને તેની પાસે લઈ જાઓ ને! બા ના કહેવાથી એ જ દિવસે બાપુજીએ સાવરકુંડલાથી જતી સુરતની બસમાં બે ટીકીટ લખાવી. સાંજે ઘરેથી નીકળતી વેળાએ મેં ભગવાનના મંદિરિયે “શ્રીજી” નું નામ લઈને તેની મંગળ કામના માટે દીવો પ્રગટાવ્યો. અને બે હાથ જોડીને ખોળો પાથરીને “શ્રીજી” વહેલા સાજા થઈ જાય એ માટે પ્રાર્થના કરવા લાગી. હજુ તો આંખો ખુલે એ પહેલાં તો કુદરતે મેં પ્રેમે પ્રગટાવેલો દીવો ઓલવી નાંખ્યો. અમંગળ ઘટના ઘટવાના સંકેત પ્રભુએ ત્યારે જ આપી દીધેલા. મેં તરત જ “શ્રીજી”ને ફોન જોડ્યો અને તેની સાથે વાત કરી લીધી એટલે હૈયે ટાઢક વળી. હું ઘડીઓ ગણવા લાગી કે ક્યારે હું મારા “શ્રીજી” ને મળીશ? ધીરે ધીરે એ કલાકો ઓછી થઈ રહી હતી. અમે બસમાં બેસીને સુરત આવવા રવાના થયા. રાત્રે જમ્યા ત્યારે પણ “શ્રીજી” સાથે વાત કરી. મારી સાથે મેસેજમાં રાત્રીના ૧ વાગ્યા સુધી વાતો કરી. જાણે મારાથી દૂર જવાના હોય તેમ મને ભલામણો કરવા લાગ્યા. સલાહ સુચન આપવા લાગ્યા અને ધ્યાન રાખજે એવું કહેવા લાગ્યા. મેં કહ્યું “શ્રીજી” કાલની સવાર સુધી રાહ જુવો હું બસ રસ્તામાં જ છું બસ તમારી પાસે જ આવું છું હવે મારે ક્યાંય નથી જવું. આ કદાચ અમારી અંતિમ વાત હતી તે હું નહોતી જાણતી.
રાત્રે અચાનક મોબાઈલની લાઈટ થઈ અને જોયું તો મુકેશગીરીબાપુના સ્ટેટસ પર “શ્રીજી” એ અનંતની વાટ પકડી છે એવા અપડેટ હતા. મેં સીધો જ કોલ કર્યો. દવાખાને તેનો ફોન કોઈ બીજાએ ઉઠાવ્યો. મેં વિડીઓ કોલમાં “શ્રીજી” ને સુતા નિહાળ્યા. જે ઘટના ઘટી હતી તેની સામે મેં મારી જાતને મૂર્ખ બનાવી અને કંઈ બન્યું જ નથી તેવું વિચારી લીધું. પણ કાળને કોણ રોકી શકે છે? સમયને કોણ બાંધી શકે છે?
તારીખ ૧૦/૦૧/૨૦૨૧ ના દિવસે સવારે હું સુરત પહોંચીને હોસ્પિટલ તેને મળવા ગઈ. મારી વાટમાં નિસ્તેજ થયેલો ચહેરો અનંતની વાટે નીકળી ચુક્યો હતો. મારા હૈયાફાટ રુદને પ્રભુ પાસે જઈ રહેલા મારા “શ્રીજી” ને ઘણા અકળાવ્યા. અમારો શારીરિક સંગાથ બસ આટલો જ લખ્યો હતો. મને પણ સતત શ્વાસથી વધુ ઊલટી થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી. સૌના હૃદયમાં પોતાના અવાજથી સ્થાન પામેલા મારા “શ્રીજી”નો સુખના ત્રણ દાયકા જીવેલો પાર્થિવદેહ અગ્નિસંસ્કાર પામ્યો. અને માટીથી સર્જાયેલો દેહ માટીમાં મળ્યો. એ સમયે કદાચ મારી કુખમાં “શ્રીજી” નો અંશ ના હોત તો હું પણ કદાચ તેની પાછળ નીકળી પડત!!! પરંતુ મારે કોઈપણ ભોગે જીવવાનું હતું. અમારું બાળક મહાન બને તેવું “શ્રીજી”નું સ્વપ્ન સિદ્ધ કરવા મારે એકલા પણ જીવવાનું હતું!!!
“શ્રીજી” દેહથી દુર થયા છે. એકવીસમી સદીમાં જીવનારો સમાજ નહીં સ્વીકારે પણ “શ્રીજી” આજે પણ મને રોજ સ્વપ્ને મળવા આવે છે! તે ગયા પછી હું ખૂબ રડતી. ત્યારે એ સ્વપ્ને આવીને મને કહેતા, “જેમ તું જીવતેજીવ સુખી નથી તેમ હું પણ મર્યા પછી પણ સુખી નથી. મારા દેહની માયા મૂકી દે! જો હું આવ્યો છું ને તને મળવા! મારી આંખોમાં જો! હું તારી વિના અધુરો છું. તારા આવ્યા પછી તો હું પરિપૂર્ણ બન્યો છું. હું સદાયે દૂર રહીને પણ તારું ધ્યાન રાખીશ”. હું ત્યારે સ્વપ્ને ઝબકી જતી તો પ્રત્યક્ષ તેની ચિત્રાકૃતિ નિહાળતી. ધીરે ધીરે હું સમાજ સામે મજબૂત બની. મેં પ્રભુ સિવાય કોઈ સામે આંસુ સારવાનું બંધ કર્યું.
૧૮/૦૬/૨૦૨૧ ના શુભદીને મારી કુખે “શ્રીજી”ના અંશરૂપે અતિતેજોમય લક્ષ્મી સ્વરૂપનો જન્મ થયો. મનોમન “શ્રીજી”ને કહેલું જુવો તમારી ઈચ્છા ફળી છે. આપણે ઘેર દીકરીનો જન્મ થયો છે. તમને બાપ બનવાના ખૂબ ખૂબ વધામણાં. પણ “શ્રીજી” ની દીવાલે ટાંગેલી તસ્વીર મૌન થઈને અમને મા દીકરીને જોયા કરતી. એ પણ ઈચ્છતા કે પોતે વહાલથી દીકરીને આશીર્વાદ આપે. પણ દેહનું બંધન નહોતું ને! રાશી મુજબ એ બાળસ્વરૂપનું નામ “પ્રયાગી” રાખ્યું. અને હુલામણું “શ્રીજી”ને ગમતું નામ “સૂરીલી” રાખ્યું.
હું “શ્રીજી” ના દેહને ફરી મળી. સૂરીલીનો ચહેરો બિલકુલ તેના પપ્પા જેવો જ છે. તેની આંખોની ચમક, તેના ચહેરાનો ખિલખિલાટ અને તેની સમજણ તદ્દન “શ્રીજી” જેવી જ છે. સૂરીલી આજ સુધીમાં ક્યારેય નથી રડી. એવું કહી શકાય કે સૂરીલીને રડતા આવડતું જ નથી. આજે પણ સુરીલીનો સાંજે નવ વાગ્યે સુઈ જવાનો અને વહેલી પરોઢે પાંચ વાગ્યે જાગવાનો નિત્યક્રમ “શ્રીજી” જેવો જ છે. જેનો બાપ આ દુનિયાને હસાવીને ગયો હોય તેનું સંતાન રડી જ ના શકે!!! આજે એ બા દાદા બોલતી થઈ છે. કાલ સવારે પપ્પા બોલતા શીખશે ત્યારે મારે “શ્રીજી” ના હાર ચડેલા ફોટા સામે હાથ ચીંધીને તેના પપ્પાની ઓળખ કરાવવાની છે.
ઘર પરિવાર અને સમાજ કહે છે મને “બીજું ઘર કરી લ્યે! આમ જિંદગી ના જીવાય. આમ પાગલ ના બન.” ત્યારે હું બે હાથ જોડીને કહું છું, “મને પાગલ જ રહેવા દયો. મારે તમારી જેમ સમજદાર નથી બનવું. મને મારા “શ્રીજી” ના નામ સાથે જીવવા દયો. એક એજ સહારો જે જેથી મારા અસ્તિત્વની ઓળખ ટકી છે. દૂધમાં જેમ સાકાર ભળે તેમ મેં મારી જાતને “શ્રીજી” માં ઓગાળી નાંખી છે. એ મીઠાશથી હું ખુશ છું. મને ખુશ રહેવા દયો. જેનો ધણી આ દુનિયામાં ના હોય તેનું અહીં કોઈ ના હોય તેની મેં ક્ષણે ક્ષણે પ્રતીતિ કરી છે.
મારી સૂરીલીને યોગ્ય જીવન મળે તે માટે પૂજ્ય ગીરીબાપુની દીકરી જે હાલ લંડન છે તેણે દીકરીને તેના મૂળ પિતાના નામ સાથે દત્તક લીધી છે. તેથી મને તેના ભવિષ્યની ચિંતા નથી. પરંતુ મારે તેને ખૂબ મહાન બનાવવાની છે તે હું બનાવીને જ રહીશ. હું રોજ સવારે એ આશા સાથે જાગુ છું કે આજ કંઈક સારું થાશે. મને મારી આવતી કાલ કેવી હશે તે નથી ખબર!!! કદાચ હું તમને કોઈ આશ્રમમાં પણ મળું, રસ્તે કટોરો લઈને ભીખ માંગતી પણ મળું અને લંડનમાં પણ મળું!!!
આજે પણ રાત્રે ક્યારેક હું “શ્રીજી” ની યાદ સાથે જાગરણમાં સુઈ ગઈ હોય ત્યારે “શ્રીજી” આવીને જગાડે છે. જો ઉઠ… સૂરીલી જાગે છે. હું જાગી જાઉં છું અને ખરેખર ત્યારે સૂરીલી જાગતી હોય અને રમતી હોય છે. આ મારો વહેમ નથી આ હકીકત છે. હું “શ્રીજી” ને પૂછું છું આપ કેમ મને એક ને જ દેખાઓ છો કેમ ઘરમાં કે સમાજમાં કોઈને નથી દેખાતા? ત્યારે એ કહે છે “મારી દુનિયા જ તું છે. જે તારામાં હું અનુભવું છું એ ક્યાંય નથી અનુભવતો!” તેના આ શબ્દોએ જ મને અંદરથી ખૂબ મજબૂત બનાવી છે. એકલા જીવતા શીખવ્યું છે.
આજે દિવસે ખૂબ જ સૌની સમક્ષ મજબૂત રહુ છું. પણ રાત પડતા હુયે એક ભાઈનો હાથ શોધું છું, માતાનો ખોળો ઝંખું છું, પતિ અને પિતાનો પ્રેમ પામવા પરમેશ્વર પાસે પૂજા વખતે મનભરીને રડું છું. અત્યારે વહાલથી માથે હાથ ફેરવવા વાળું કોઈ નથી. એમ કહું હું સૌની છું પણ મારુ કોઈ નથી!!! બસ “શ્રીજી” ની યાદો સિવાય. ઘર બહાર જાઉં ત્યારે સમાજના લુખ્ખાતત્વો મને જે ગંદી નજરે જુવે છે ત્યારે હું અંદરથી કાંચની માફક તૂટી જાઉં છું પણ મારી આ વ્યથા હું કોને કહું? મારી અંતરની ઊર્મિઓને સાંભળનારું કોણ? મારે દુઃખી થઈને પણ જીવવાનું છે અને ખુશ રહીને પણ જીવવાનું છે. તો હું એકલી ખુશ છું. મને મારા જેવા છે તેવા જીવન સાથે જીવવા દયો.
મારા “શ્રીજી” એટલે પૂજ્ય ગીરીબાપુના સૌથી પ્રિય અને તેની દરેક કથાને સંગીતમય બનાવનાર એવા શ્રી દિલીપ પાનસૂરિયા. આજે પૂજ્ય બાપુ પણ તેમને “શ્રીજી” ના નામે ઉચ્ચારે છે. મારે મારુ નામ આપવાની જરૂર નથી. દુનિયા મને કાયમને માટે તેની પત્ની તરીકે ઓળખે એ જ મારા જીવનનું લક્ષ્ય છે. આજે પણ મારી શિવજીની અખંડ પૂજામાં એ જ પ્રાર્થના કરું છું ભલે મારે યુગો યુગો સુધી એકલું જીવવું પડે પણ દરેક યુગે “શ્રીજી મારા રૂદિયે વસો”.
ઓમ…. નમઃ… શિવાય….
કળિયુગમાં આવી અદ્વિતીય, અનુપમ, અદભુત અને અકલ્પનિય સત્ય પ્રેમ કહાની તેમજ સંગીતના અનેરા સાધકની જિંદગીને પ્રેમની શ્યાહીથી કાગળ ઉપર કંડારતા મારી આંખેથી હર્ષથી પવિત્ર મીઠી ગંગા વહે છે.
(ક્યાંક લખી રાખવા જેવું : ઘણીવાર રૂપ, રંગ અને સુગંધ આવ્યા પછી ફુલને તેની ડાળીયેથી છૂટી જવાનું મન થતું હોય અને એટલે જ લઈ જનાર તેને મંદિર માટે ચૂંટવા આવ્યો છે કે સ્મશાન માટે તે વાત તે નથી સમજી શકતું.)
– ડૉ. અંકિતા મુલાણી “રીચ થીંકર”
આ લેખ કોપીરાઇટ આરક્ષિત છે.